દુર્ઘટના@જૂનાગઢ: અસ્થિ વિસર્જન માટે જતા પરિવારની કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી, 4ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જૂનાગઢના મજેવડી બાયપાસ પાસે આજે સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન કરવા માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની અર્ટિગા કાર રસ્તા પર બંધ હાલતમાં ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠાનો એક પરિવાર અર્ટિગા કારમાં સવાર થઈને સોમનાથ જઈ રહ્યો હતો. જૂનાગઢના મજેવડી ફોર ટ્રેક રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર અચાનક બંધ ઉભેલી એક ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
જૂનાગઢના મજેવડી ફોર ટ્રેક રોડ આ ઘટના બની છે. જેમાં ચાલુ કાર બંધ ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું અને 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, જેમાંથી 2ની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને ICUમાં રાખવામાં આવ્યા છે.અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તથા 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

