દુર્ઘટના@ખેડા: નીલગાય સાથે અથડાતાં કાર પલટી, ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. નીલગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની કાર પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચારેય યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આ અકસ્માત પ્રાણ પ્રતિષ્ઠાનો મંડપ નક્કી કરવામા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં ઠાકોર સંજયભાઈ જશવંતભાઈ, ઠાકોર વિનુભાઈ ગબાભાઈ, ઠાકોર રાજેશકુમાર સાલભાઈ, ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ અર્જુનસિંહનું મોત નિપજ્યું હતું. ચારેય મૃતક મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના રહેવાસી છે. ધાર્મિક કામે નિકળેલા લોકો અકસ્માતનો ભોગ બનતા શોકનો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે, ખેડામાં મહીસાગર અને અમદાવાદને જોડતા હાઇવે પર નીલગાયનો ત્રાસ છેલ્લાં ઘણાં સમયથી જોવા મળી રહ્યો છે. આ પહેલાં પણ અવાર-નવાર આ પ્રકારના નાના-મોટા અકસ્માત આ હાઇવે પર સર્જાતા હોય છે.