દુર્ઘટના@ખેડા: અમદાવાદ-વડોદરા એકસ્પ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

 
ઘટના
કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને સામેની સાઇડથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 પૈકી 3 વ્યક્તિઓનાં ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે.અન્ય બે લોકોને ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ત્યારે મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી જ્યારે એક કાર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

માહિતી અનુસાર, નડિયાદ-બિલોદરા બ્રિજ પાસે એક કારનું ટાયર અચાનક ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને હવામાં ફંગોળાઈ હતી અને સામેની સાઇડમાં આવતી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનાં ફુરચેફુરચાં ઊડી ગયાં હતાં જ્યારે કારમાં સવાર 5 પૈકી 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉપરાંત, મૃતદેહોને પીએમ અર્થે મોકલાયા હતા. માહિતી અનુસાર, મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે.