દુર્ઘટના@કચ્છ: બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, 2ના કમકમાટીભર્યા મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

 
અકસ્માત
બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છના ભચાઉ તાલુકાના નંદગામ નજીક સવારે અત્યંત ભયંકર અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. એક બોલેરો ગાડી અને ટ્રક વચ્ચે થયેલી આ ધડાકાભેર ટક્કર એટલી ભીષણ હતી કે હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માતમાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. નંદગામ નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલી એક બોલેરો ગાડી અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે અચાનક સામસામે ટક્કર થઈ હતી.

આ અકસ્માતને પગલે બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.અકસ્માતને પગલે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ભચાઉ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે સૌ પ્રથમ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ટ્રાફિકજામને હળવો કરવા અને વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી શરૂ કરી હતી. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.