દુર્ઘટના@મહેસાણા: ખાનગી બસ ચાલકે રોંગ સાઈડમાં બસ ચલાવતા અકસ્માત સર્જાયો, 2નાં મોત, 13 ઈજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા-રાજસ્થાન હાઈવે પર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અમદાવાદ તરફ જઈ રહેલી એક ખાનગી બસના ચાલકે ટ્રાફિકના નિયમો નેવે મૂકી રોંગ સાઈડમાં બસ હંકારી ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા હતી, જ્યારે 13 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બસ અને ટ્રક બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લક્ઝરી બસનો ચાલક પૂરઝડપે રોંગ સાઈડ પર બસ ચલાવી રહ્યો હતો અને સામેથી આવતી ટ્રક સાથે સીધી ટક્કર થઈ હતી. હાઈવે પર મુસાફરોની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે બસમાં સવાર અન્ય 13 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

