દુર્ઘટના@નવસારી: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત

 
અકસ્માત

કાર ચાલક મોબાઈલ પર વાત કરતા કરતા કાર ચલાવી રહ્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારી મરોલી રોડના સાગર ઓવરબ્રિજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પોલીસ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના મરોલી રોડ પરના સાગર ઓવર બ્રિજ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત થયુ છે.પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલી કારે બાઈકને ટક્કર મારી હતી.

કાર ચાલક મોબાઈલ પર વાત કરતા કરતા કાર હંકારી રહ્યો હતો. આ સમયે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતનો ભોગ બનેલા શખ્સનું બ્રિજ પર મોત થયું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. કાર ચાલકને સામાન્ય ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મરોલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મરોલી સિવિલ ખસેડ્યા છે.