દુર્ઘટના@પાલનપુર: માવલ નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર ટક્કર, 3 યુવકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
માવલ નજીક મોડી રાત્રે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમા પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થતાં બાઈક સવાર ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર માવલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈક અને ટ્રક વચ્ચે મોડી રાત્રે ગમખ્વાર ટક્કર થઈ હતી. ટક્કરમાં બાઈક પર સવાર ત્રણેય યુવકો ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને અકસ્માતમાં ત્રણેયે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના કારણે બાઈકના પર કુરચેકુરચા ઉડી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતક યુવકોની ઓળખ મેળવવાની તેમજ આ ગમખ્વાર અકસ્માત કયા સંજોગોમાં અને કોની બેદરકારીથી સર્જાયો તેનું ચોક્કસ કારણ જાણવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. માવલ નજીક બનેલી આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન સામે સવાલો ઉભા કર્યા છે.

