કાર્યવાહી@મહેસાણા: કલેકટર કચેરીમાં ફરજ બજાવતો રેવન્યૂ કલાર્ક 9 લાખની લાંચ લેતા ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાના રેવન્યુ ક્લાર્કને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેણે જમીન NA કરવા માટે લાંચ માંગી હતી. ત્યારે લાંચ પેટે રૂપિયા 9 લાખની લાંચ માંગી હતી. મહેસાણા શહેરના કલેકટર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યૂ કલાર્ક (વર્ગ-3) વિશ્વજીત ખેંગારભાઈ કમલેકરને ગુજરાત એસીબીએ રૂપિયા 9 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. જે બાદ આ લાંચિયા કલાર્ક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહેસાણા શહેરમાં આવેલી કલેકટર કચેરીમાં વર્ગ-3 રેવન્યૂ કલાર્ક વિશ્વજીત કમલેકરે મહેસાણાના જોટાણા તાલુકાના ઈજપુરા (જેઠાજી) ગામની ખેતીની જમીનને બિનખેતી (N.A.) કરવા પેટે આ લાંચની માંગણી કરી હતી. લાંચની રકમની રકઝક બાદ આખરે રૂપિયા 9 લાખ સ્વીકારવાનો વાયદો થયો હતો. જે ક્લાર્કે સ્વીકારતા એ.સી.બી.એ પકડી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભર્યાની તજવીજ હાથ ધરી હતી. ક્લાર્ક દ્વારા આ ડીલ છેલ્લે 9 લાખમાં ફાઇનલ કરી તે રૂપિયા લેવા અમદાવાદ બોલાવતાં સુભાષબ્રિજ આરટીઓ સર્કલ પાસે આવતા જ એસીબીએ છટકું ગોઠવ્યું હતુ. તે દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચનાં નાણાં સ્વીકારતા એસીબીએ રંગેહાથે પકડી લીધેલો હતો. પકડાયેલા આરોપી વિશ્વજીત કમલેકરની અટકાયત કરી હાલ એસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યો છે.