દુર્ઘટના@રાજકોટ: કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, બે લોકોના કરુણ મોત નિપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટના ગોંડલ-આટકોટ હાઈવે પર આજે સવારે એક કાળજું ધ્રુજાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક પૂરઝડપે જતી કાર અનિયંત્રિત થઈને પુલ નીચે ખાબકી હતી. કાર ઊંધી પડતાની સાથે જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં સવાર બે લોકોના મોત નિપજ્યા હતા. પૂરઝડપે જતી કાર પરથી અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલની નીચે ઊંધી ખાબકી હતી.
ઊંધી પડેલી કારમાં આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર લોકોને કારનો દરવાજો ખોલવાની કે બચવાની કોઈ તક મળી ન હતી. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ત્યારબાદ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ તથા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવાયા બાદ કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિના સળગી ગયેલા હાડપિંજર મળી આવ્યા હતા. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ કરવી અશક્ય બની હતી. ગોંડલ પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કર્યું છે. અને મૃતકો કોણ હતા તેની ઓળખ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

