દુર્ઘટના@સુરેન્દ્રનગર: દસાડા નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક ટક્કર, 3 મિત્રોના મોત

 
અકસ્માત
તમામ મૃતકો મિત્રો પાટણના રહેવાસી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક આવેલા એછવાડા બસ સ્ટેન્ડ પાસે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે થયેલી ગમખ્વાર ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતા પરિવારો પર આભ ફાટી પડ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય વ્યક્તિઓને બચાવવાની કોઈ તક જ મળી નહોતી.
 

મૃતકોમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની કિરણ વાઢેર, બળદેવભાઈ ઠાકોર અને ભરત ગગજી સિંઘવનો સમાવેશ થાય છે. ત્રણેય યુવાનો પોતાના કામકાજ અર્થે નીકળ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. રસ્તા પર મોત બનીને ધસી આવેલા ટ્રકે તેમની સફરને કાયમ માટે અધૂરી છોડી દીધી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વહેલી સવારના સમયે ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે રિક્ષા રોડ પરથી ફંગોળાઈ ગઈ હતી અને આસપાસનો વિસ્તાર પણ અકસ્માતના ભયાનક દ્રશ્યોથી હચમચી ઉઠ્યો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ અને તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્રણેય વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા હોવાનું સ્પષ્ટ બન્યું હતું. મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.