દુર્ઘટના@વિસનગર: મજૂરીથી ઘરે જતાં યુવકને નડ્યો અકસ્માત, રીક્ષા પલટી મારી જતાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર
વિસનગર તાલુકાના ગામે મજૂરીથી પરત ઘરે જતાં રીક્ષા પલટી મારી જવાની ઘટનામાં એકનું મોત થયુ છે. ગઇકાલે બપોરના સમય મજૂરીથી રીક્ષામાં પરત આવતાં લોકોને અકસ્માત નડ્યો હતો. જેમાં રીક્ષા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતાં રીક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ પણ યુવકનું મોત થયુ હતુ. આ સામે અન્ય ઇજાગ્રસ્તોને પણ સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર મામલે મૃતકની પત્નિએ ફરાર રીક્ષા ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના કડાથી ડાભલા ચોકડીની વચ્ચે અકસ્માતની ઘટનામાં એકનું મોત થયુ છે. મૂળ ગોધરાના રમેશભાઇ સબુરભાઇ નાયક હાલ માણસાના હરણાહોડા ગોગાપુરા ગામની સીમમાં પરીવાર સાથે રહે છે. ગઇકાલે તેઓ અન્ય લોકો સાથે મજૂરીકામ કરી બપોરના સમયે રીક્ષામાં બેસી પર આવતાં હતા. આ દરમ્યાન વિસનગરના કડા ગામ નજીકના પેટ્રોલપંપથી થોડેક દૂર ડાભલા ચોકડી તરફ ચાલકે કાબૂ ગુમાવતાં રીક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં રમેશભાઇને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયુ તો અન્ય વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, મજૂરી કામ કરી પરત ઘરે ફરી રહેલા યુવકનું અકસ્માતમાં મોત થતાં પત્નિ સહિતના બાળકો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. આ તરફ રીક્ષા ચાલક રાઠોડ બળદેવજીને પણ જમણા ખભા અને કાન-ગળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે મૃતકની પત્નિએ રીક્ષા ચાલક વિરૂધ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે રીક્ષા ચાલક સામે આઇપીસી કલમ 279, 337, 338, 304A મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.