દુર્ઘટના@ગુજરાત: કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 4ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવકનું સોલા હોસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કાર માર્ગ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી અને સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમાંથી એક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયા હતા અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.અકસ્માતની જાણ થતા જ ધોળકા અને બગોદરાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી હજુ પણ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.કારમાં સવાર તમામ લોકો બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

