દુર્ઘટના@નવસારી: વીજતારના સંપર્કમાં ટેમ્પો આવી જતાં 10 લોકોને કરંટ લાગ્યો, 3ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ગણદેવા ગામે હટવાડા ફળિયા ખાતે રસ્તા પર પડેલા જીવંત વીજતારના સંપર્કમાં એક ટેમ્પો આવી જતાં, તેમાં સવાર 10 લોકોને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાની સાથે જ વિસ્તારમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં કરંટ લાગવાના કારણે 3 યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.
તમામ મૃતકો ગણદેવા ગામના નહેર ફળિયાના રહેવાસી હતા. કલ્પેશ અરુણભાઈ હળપતિ (ઉંમર: 25 વર્ષ), નિતિન વિનોદભાઈ હળપતિ (ઉંમર: 35 વર્ષ), જિગર નિતિનભાઈ હળપતિ (ઉંમર: 23 વર્ષ). આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો પૈકી 3 યુવાનોને તાત્કાલિક અસરથી ગણદેવીની ખારેલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

