કાર્યવાહી@અમદાવાદ: ક્રાઇમ બ્રાન્ચને મળી જબરજસ્ત સફળતા, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

 
કૌભાંડ

બેંગકોક, કેનેડા અને રશિયાથી ઓનલાઇન કુરિયરમાં ડ્રગ્સ આવતું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કુરિયરના માધ્યમથી ડ્રગ્સનો વેપલો ચલાવતા હતા. આ નવી જ મોડસ ઓપરેન્ડીથી ચાલતા ડ્રગ્સના વેપલાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અંદાજે સવા કરોડ રૂપિયાની કિંમતના વિદેશમાંથી આયાત થયેલા હાઇબ્રીડ ગાંજાને ઝડપ્યો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ તેમજ એકસાઇઝ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યું છે. અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સની હેરાફેરાનું કૌભાંડ ઝડપાયું છે.બેંગકોક, કેનેડા અનેરશિયાથી ઓનલાઇન કુરિયરમાં ડ્રગ્સ આવતું હતું.

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ડ્રગ્સની ડિલિવરીના પુરાવા મળ્યા હતા. ડ્રગ્સ માફિયાઓ રમકડામાં તથા વિટામિન કેપ્સ્યુલ્સમાં ભરીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ટીનેજર્સ અને યુવાધનને બરબાદ કરવાનું મસમોટું કૌભાંડ બેનકાબ થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટ વિભાગને પણ જણાવ્યું છે કે આ પ્રકારના ડ્રગ્સના પાર્સલની શંકાસ્પદ હેરફેર પર તે નજર રાખે. કોઈપણ પાર્સલ જો તેને શંકાસ્પદ લાગે અથવા તો તેમા જરા પણ તકલીફ જેવું લાગે તો તે તરત જ પોલીસ વિભાગને જાણ કરે.