કાર્યવાહી@દેશ: ગુજરાત ATSએ રૂ.3000 કરોડના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો, 5 પાકિસ્તાઓની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં 3000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ઓપરેશન દરમિયાન આશરે 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત રૂ.3,000 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાત ATS, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું.જહાજની સતત દેખરેખ અને ટ્રેકિંગ બાદ કોસ્ટ ગાર્ડની ટીમે વ્યૂહાત્મક રીતે જહાજ પર બોર્ડિંગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.ઓપરેશનમાં કુલ 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ.3,000 કરોડથી વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ જહાજમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તેમની પાસેથી મળેલી માહિતી અને દાણચોરીના નેટવર્ક અંગે બહુ-એજન્સી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પકડાયેલા જહાજ અને પાંચેય ક્રૂ સભ્યોને વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે મુંબઈ લઈ જવામાં આવ્યા છે. વિવિધ એજન્સીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે અંગેની વિગતો સામે આવી શકે છે.

