કાર્યવાહી@અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એકસાથે 4 કસ્ટમ અધિકારીઓ સસ્પેન્ડ, જાણો કારણ

 
અમદાવાદ
એરપોર્ટ સ્ટાફ અને દાણચોરીના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પેસેન્જરોને દાણચોરી કરવામાં સીધી મદદ કરવાના ચોંકાવનારા આરોપસર કસ્ટમ વિભાગે લાલ આંખ કરીને પોતાના જ 4 અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરી દીધા છે.અમદાવાદ એરપોર્ટના ઇતિહાસમાં એકસાથે બે સુપ્રિટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર સામે એક્શન લેવાઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે, જેને પગલે એરપોર્ટ પર ભારે ફફડાટ વ્યાપી ગયો છે.વિદેશથી આવતી ફ્લાઇટ્સના પેસેન્જરો મારફતે સોનું, ફોરેન કરન્સી અને ગાંજા જેવા નશાકારક પદાર્થોની હેરાફેરી કરવા માટે કસ્ટમ્સના આ અધિકારીઓ મદદગારી કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મોડી રાત્રે કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એરપોર્ટ પર કાર્યવાહી હાથ ધરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

કસ્ટમ વિભાગના આ કડક વલણને કારણે એરપોર્ટ સ્ટાફ અને દાણચોરીના નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે. જયારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરની ફરિયાદ અને બોડી કેમેરા ન પહેરવા બદલ બે અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.એરપોર્ટ પર ઉતરેલા એક મુસાફર દ્વારા કસ્ટમ ચેકિંગ દરમિયાન અયોગ્ય વર્તન, બિનજરૂરી પજવણી અને હેરાનગતિ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ ઉચ્ચ સ્તરે નોંધાવવામાં આવી હતી, જેના આધારે કસ્ટમ્સના વરિષ્ઠ અધિકારીઓએ આ આકરાં પગલાં લીધાં છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા ચાર અધિકારીઓમાં બે સુપરિન્ટેન્ડેન્ટ અને બે ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. કસ્ટમ્સ વિભાગના કડક દિશા-નિર્દેશો મુજબ એરપોર્ટ પર મુસાફરોના ચેકિંગ કે પૂછપરછ દરમિયાન તમામ અધિકારીઓ માટે 'બોડી ઓન કેમેરા' પહેરવા સંપૂર્ણપણે ફરજિયાત બનાવવામાં આવ્યા છે.આમ છતાં, આ અધિકારીઓએ કેમેરા પહેર્યા વગર મુસાફર સાથે ગેરવર્તણૂક અને હેરાનગતિ કરી હતી. મુસાફરે આ સમગ્ર બનાવ અંગે કસ્ટમ્સ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં જ પ્રાથમિક તપાસમાં અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.