કાર્યવાહી@અમદાવાદ: CBIની 350થી વધુ અધિકારીઓની ટીમે 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડ્યા
અનેક માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સીબીઆઈએ દેશ-વિદેશના નાગરિકોને ફસાવીને નાણાં ખંખેરતા કોલ સેન્ટરો પર આજે અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી હતી. અમદાવાદમાં એક સાથે 35 સ્થળોએ સીબીઆઇના 350 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો અને મોટા પાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુદી-જુદી રીતે લોકોને ફસાવીને નાણાં પડાવવાની આખેઆખી સિસ્ટમને પર્દાફાશ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. રેડ કાર્યવાહીને પગલે અનેક માફીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
અમદાવાદના સરદારનગર, શાહીબાગ સહિત પૂર્વ ભાગોના વિસ્તારોમાં સીબીઆઇના 350 જેટલા અધિકારીઓના કાફલાએ 35 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા હતા. દિલ્હી તથા અન્ય જુદા-જુદા રાજ્યોમાંથી અધિકારીઓને એકઠા કરીને સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી નહતી. કોલ સેન્ટરના કથિત ગોરખધંધા પરની આ સૌથી મોટી રેડ ગણાવવામાં આવી રહી છે. દરોડા દરમ્યાન વિદેશી નાગરિકોને છેતરવાની માહિતી હાથ લાગી છે. તપાસની વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. ભૂતકાળમાં એફબીઆઇએ પણ રેડ પાડી હતી પરંતુ આ વખતના સીબીઆઇના દરોડા અત્યાર સુધીના સૌથી મોટા છે.