કાર્યવાહી@અમદાવાદ: સરખેજમાંથી અંદાજે ₹1.82 કરોડની એમ્બરગ્રીસ જપ્ત, 3 શખ્સોની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં શહેરમાં પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે શરૂ કરેલા વિશેષ અભિયાન દરમિયાન મોટી સફળતા મેળવી છે. અમદાવાદ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-7એ સરખેજ વિસ્તારમાંથી અંદાજે રૂ.1.82 કરોડની કિંમતનું 1.823 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિત કુલ અંદાજે રૂ.1.82 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રથયાત્રા પૂર્વે ગેરકાયદે વન્યજીવ અવશેષોના વેપાર, સંગ્રહ અને હેરફેર સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. તેના ભાગરૂપે LCB ઝોન-7ની ટીમને બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારમાં એસ.પી. રિંગ રોડ પર સનાથલ બ્રિજ નજીક ત્રણ વ્યક્તિઓ વ્હેલની ઉલ્ટી સાથે હાજર છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણેયને ઝડપી લીધા હતા.

