કાર્યવાહી@અમદાવાદ: ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ, ચાર આરોપીની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા. આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOGની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. SOGની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. SOG ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ (24), ખુશ અશોકભાઈ પટેલ (24), મૌલિક શંકરભાઈ પટેલ (36) અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ (20)ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ જે ઓસ્ટ્રેલિયાનો સિટીઝન છે.પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઇવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મૌલિક અને ધ્રુવ દ્વારા નોટો છાપવામાં આવતી હતી અને ખુશ તથા રોનક જેવા યુવકને આ નકલી નોટો બજારમાં વેચાણ માટે અપાતી હતી.
પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી છે. SOGએ હાલ, ઓસ્ટ્રેલિયન ડોલર ક્યાં કયાં વટાવવામાં આવ્યા છે તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ધંધામાં નુકસાન જતા મૌલિક પર દેવું થઈ ગયું હતું. મૌલિકને પોતાની દેવું ઝડપથી ભરપાઇ કરવું હતું અને વધુ રુપિયા કમાવવાની લાલચે ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનો પ્લાન બનાવ્યો હતો. મૌલિકે સમગ્ર પ્લાન અંગે ધ્રુવને જાણ કરી હતી. ઓક્ટોબર મહિનામાં મૌલિક ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો અને ગાંધીનગરથી નોટો છાપવાનું મશીન ખરીદ્યું હતું. મશીન ખરીદ્યા બાદ રો-મટીરીયલ ખરીદ્યું હતું. તેમજ ઇન્ટરનેટ પરથી મશીનના સોફ્ટવેર પ્રમાણે ઓસ્ટ્રેલિયન ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી હતી. નોટોનું પ્રોડક્શન થયા બાદ ધ્રુવ પટેલને નોટો બજારમાં વટાવવા માટે આપી હતી. SOGએ આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.