કાર્યવાહી@અમદાવાદ: વાડજમાંથી 36 લાખના ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ

 
કાર્યવાહી

ભાઈએ જ બહેનને ડ્રગ્સ વેચતી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના વાડજમાંથી એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે કહ્યું હતું કે, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક દંપતીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. કમલેશ બિશ્નોઈ અને તેની પત્ની રાજેશ્વરની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તેમની પાસેથી 36.40 લાખની કિંમતનું 357 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

મહિલા આરોપી રાજસ્થાનના સાંચોર ખાતેથી તેના મામાના દીકરા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી હતી. મામાનો દીકરો સુભાષ ઉત્તર પ્રદેશના લખનઉ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો.એસીપી ભરત પટેલે વધુમાં કહ્યું હતું કે, વાડજ પાસે ખત કોલોનીમાં આ દંપતી ભાડાનું મકાન રાખીને રહેતુ હતું. તેઓ ઝાલોર જિલ્લાના છે. આરોપી કમલેશ બિશ્નોઈ છેલ્લા 4 વર્ષથી અને પત્ની એક વર્ષથી અમદાવાદમાં રહે છે.મહિલા આરોપી છેલ્લા 4 મહિનાથી 5 થી 6 વખત ડ્રગ્સનો મોટો જથ્થો લાવી હતી. તેના મામાના દીકરાએ જ તેને ડ્રગ્સનો વેપાર કરવાનું કહ્યું હતું. આમાં સારા પૈસા મળશે એમ કહીને તેનો ધંધો શરૂ કરાવ્યો હતો. વોન્ટેડ આરોપી સુભાષ અનેક ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાંચે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.