કાર્યવાહી@અમદાવાદ: એરપોર્ટ પર 13.80 કરોડની ઘડિયાળ સાથે દંપતી ઝડપાયું, 5.52 કરોડની ડ્યુટી બચાવવા જતાં જેલભેગા થયા

 
ગુનો
એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ એરપોર્ટ સ્મગલર્સ માટે હબ બની ગયું છે અને છાસવારે દાણચોરીની ઘટના સામે આવી  રહી છે. એરપોર્ટમાં હવે અબુધાબીથી આવી રહેલા દંપતી પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા રૂપિયા 13.80 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટથી કસ્ટમ્સ દ્વારા  જપ્ત કરાયેલી ઘડિયાળો પૈકી એક ઘડિયાળની કિંમત 12 કરોડ 50 લાખ રૂપિયા છે જ્યારે બીજી ઘડિયાળની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આમ કુલ 13 કરોડ 80 લાખ રૂપિયાની સ્મગલિંગની ઘડિયાશળો જપ્ત કરાઈ છે. 

પેસેન્જર બેગેજમાં લવાતી ઘડિયાળો પર 40 ટકા ડ્યુટી લેવાય છે પણ આ દંપતિએ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની આંખોમાં ધૂળ નાંખવા માટે ઘડિયાળો હાથમાં પહેરી હતી જ્યારે બોક્સ બેગેજમાં મૂકી દીધા હતા. આ ઉપરાંત પતિ અને પત્ની અલગ-અલગ ફ્લાઇટમાં આવ્યાં હતાં. બંને ઇન્ટરનેશનલ એરપોર્ટના એરેવલ પાસે કન્વેયર બેલ્ટ નજીક લગેજ લેવા માટે ઉભા હતા તે દરમિયાન લગેજ લઈને નિકળતી વખતે કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જતાં તેમણે પૂછપરછ કરી હતી પરંતુ દંપતીએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેથી તેમના સામાનની તપાસ કરતા તેમાંથી ઘડિયાળના બોક્સ મળી આવ્યા હતા અને પછી તેમના હાથ ઉપર પહેરેલી ઘડિયાળો દેખાઈ હતી. 

ઘડિયાળના મોડલ નંબર પરથી કસ્ટમર અધિકારીઓને ખબર પડી કે આ બંને ઘડિયાળો ભારતમાં બહુ ઓછા લોકો પહેરતા હોય છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અત્યાર સુધીમાં આટલી મોંઘી ઘડિયાળો પકડાઈ હોય તેવો પહેલો કિસ્સો નોંધાયો છે બંનેની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પેસેન્જર પાસે ઓડેમોર્સ પીગેટનું રોયલ મોડલ હતું જેની કિંમત એક કરોડ 30 લાખ થવા જાય છે જ્યારે તેના પતિ પાસેથી રિચડ મિલે  ની કાંડા ઘડિયાળ મળી છે જેની કિંમત 12 કરોડ પચાસ લાખ છે. આવી ઘડિયાળો ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે તેના બદલે પેસેન્જર ફ્લાઇટમાં લઈને આવે તો કસ્ટમ ડ્યુટી બચી જાય છે. હાલ જે ઘડિયાળો પકડાઈ છે તે બંને ઘડિયાળની મૂળ કિંમત 13 કરોડ 80 લાખ છે જેના પર પેસેન્જરને બેગેજ ડ્યુટી 40% ભરવી પડે છે એટલે કસ્ટમ ડ્યુટી 5 કરોડ 52 લાખ રૂપિયા થવા જાય છે.