કાર્યવાહી@અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે આઈફોન બદલી નાખતી ગેંગનો પર્દાફાશ કર્યો, 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી
ગુનામાં વપરાતી સ્કોર્પિયો કાર પણ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 20.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય પાંચ શખસોને ઝડપી પાડયા છે. આરોપીઓમાં રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજ કુમાર માલી, ભરત કુમાર સુંદેશા (ત્રણેય રહે. જાલોર, રાજસ્થાન), વિશાલ પંચાલ (સુરત) અને વિશાલ બાવરી (અમદાવાદ) નો સમાવેશ થાય છે. જ્યારે રિષિપાલ ભાટી અને વિનોદ નામના બે શખસોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 25 ડમી મોબાઈલ, ડમી ઇયરબડ્સ, ગેમિંગ પ્રોસેસર અને પેકેજિંગ ખોલવા માટેની ખાસ 'સ્કેમ કિટ' કબજે કરી છે. ગુનામાં વપરાતી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગના સૂત્રધારે પોતાના માણસોને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજસ્થાનના જાલોરમાં વિવિધ કુરિયર સર્વિસમાં ડિલિવરી બોય તરીકે નોકરી પર રાખ્યા હતા. ગેંગના મેમ્બર ફેક આઈડી દ્વારા મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે આઈફોન અને એપલ વોચ ઓર્ડર કરતા હતા. જ્યારે પાર્સલ     હબ પર પહોંચતું, ત્યારે ગેંગનો ડિલિવરી બોય તેને મેળવી લેતો. ત્યારબાદ ગ્લુ રિમૂવર અને સિરીંજ જેવા સાધનોની મદદથી પાર્સલને એવી રીતે ખોલવામાં આવતું કે પેકેજિંગ પર કોઈને શંકા ન જાય.

અસલ આઈફોન કે મોંઘી પ્રોડક્ટ કાઢી લઈ. તેની જગ્યાએ તેટલા જ વજનની ડમી પ્રોડક્ટ મૂકી દેવામાં આવતી. ત્યારબાદ ઓર્ડરને 'કેન્સલ' અથવા 'રિટર્ન' કરી દેવાતો, જેથી અસલ પ્રોડક્ટ ગેંગ પાસે રહી જાય અને કંપની પાસે ડમી માલ પાછો જાય. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ વડોદરામાંથી iPhone 17 Pro Max અને અન્ય આઈફોન, સુરતમાંથી 7 મોબાઈલ અને 10 એપલ વોચ જેવી કિંમતી ચીજવસ્તુઓની છેતરપિંડી કરી હતી.