કાર્યવાહી@અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે કરોડો રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કર્યું, 1 આરોપીની ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદાથી કરોડો રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલામાં મુખ્ય આરોપી હજુ ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને રાજુ મારવાડી નામના આરોપીની ધરપકડ કરી છે.તેની પાસેથી 2 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં 'વ્હેલની ઊલટી' તરીકે ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ મોંઘી પરફ્યુમ બનાવવા માટે થાય છે અને તેનું ગેરકાયદેસર વેચાણ મોટા પાયે થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ એમ્બરગ્રીસ મુંબઈથી લાવવામાં આવ્યું હતું. આ ગુનામાં મુખ્ય આરોપી ગણેશ મારવાડી છે જે હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યો છે. આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ જથ્થો ક્યાંથી આવ્યો હતો તેની તપાસ ચાલી રહી છે. વ્હેલ માછલીના સંરક્ષણ કાયદા હેઠળ એમ્બરગ્રીસનો વેપાર કરવો ગેરકાયદેસર છે, તેથી આ પ્રકારના ગુનાઓને અટકાવવા પોલીસ સતત સક્રિય રહે છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.