કાર્યવાહી@અમદાવાદ: ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર 65,000 લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

 
ઓફિસર
સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBએ છટકું ગોઠવીને ફાયર ઓફિસરને રૂ. 65000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

અમદાવાદમાં ખાનગી એજન્સી ચાલવતો વ્યક્તિ સરકાર અને ખાનગી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા અને NOC કાઢી આપવા કન્સલ્ટીંગનું કામ કરે છે. કન્સલ્ટીંગનું કામ કરતા શખ્સે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'મે એક બિલ્ડિંગની NOC મેળવી આપવાનું કન્સલ્ટીંગનું કામ રાખ્યું હતું. જે બિલ્ડિંગની ફાયર NOC મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને ફાઇલ પ્રહલાદનગર ફાયર વિભાગની કચેરી ખાતે મોકલી હતી. જો કે, ત્રણ મહિના સુધી NOC ન મળતા હું કચેરીએ ગયો હતો. જ્યાં ઈનાયતહુસેન શેખ નામના ક્લાસ-2 ડિવિઝનલ ફાયર ઓફિસરે સમગ્ર મામલે 80000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પરંતુ મે નામ પાડી હતી. આ પછી મને ફાયર NOC મળી ગઈ હતી.'જ્યારે આ પછી ઈનાયતહુસેન શેખ ફરિયાદ પાસે જઈને ધમકી આપતા કહ્યું હતું કે, 'જો NOCના વ્યવહારના 80000 રૂપિયા નહીં આપે તો ભવિષ્યમાં ફાયર NOCની ફાઈલો એપ્રુવ નહી થાય.' જેમાં ફરિયાદી પાસેથી 15000 રૂપિયા લીધા હતા.

ત્યારબાદ ફાયર ઓફિસર ઈનાયતહુસેન અવર-નવર ફરિયાદ પાસેથી 65000 રૂપિયાની માંગણી કરતો હતો. સમગ્ર ઘટના મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરો જાણ કરી હતી. સમગ્ર ઘટના મામલે આણંદ ACB પોલીસ સ્ટેશનના PI અને અમદાવાદના ACBના ઇન્ચાર્જ મદદનીશ નિયામક સહિતની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ACBએ આજ 22 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી ઈનાયતહુસેન શેખને 65000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.