કાર્યવાહી@અમદાવાદ: ઍરપોર્ટ પર સાબરકાંઠાનાં દંપતી પાસેથી 17 લાખની વિદેશી ચલણી નોટો જપ્ત

બેગપેકમાં છુપાવીને લઈ જતાં હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. 12 ઓગસ્ટની રાત્રે અબુધાબી જઈ રહેલા એક દંપતી પાસેથી અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતની વિદેશી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. આ દંપતી સાબરકાંઠાનું હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ક્યુપી 580 ફ્લાઇટમાં રાત્રે 11:20 વાગ્યે મુસાફરી કરવાના હતા.
આ દંપતી દ્વારા આટલી મોટી રકમ વિદેશમાં લઈ જવાનો પ્રયાસ કરાતા કસ્ટમ્સ વિભાગ ચોંકી ઊઠ્યો હતો. આ તપાસ દરમિયાન, કસ્ટમ્સ અધિકારીઓએ દંપતીના સામાનની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન, પુરુષ મુસાફરના બેગપેકમાંથી 10,446 અમેરિકન ડૉલર અને 1,200 તુર્કી લીરા મળી આવ્યા હતા. આમાંથી 10,000 ડૉલર કાગળમાં વીંટાળીને બંડલમાં છુપાવવામાં આવ્યા હતા. તેવી જ રીતે, તેની પત્નીના બેગમાંથી પણ 10,000 અમેરિકન ડૉલરના ત્રણ બંડલ મળી આવ્યા હતા, જે પણ કાગળમાં લપેટેલા હતા.
આ બંનેએ આટલી મોટી રકમ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કસ્ટમ્સની સતર્કતાથી તેઓ પકડાઈ ગયા હતા. કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવેલી કુલ વિદેશી ચલણની કિંમત 20,446 અમેરિકન ડૉલર અને 1,200 તુર્કી લીરા થાય છે. જે ભારતીય ચલણ મુજબ લગભગ 17 લાખ રૂપિયા જેટલી થાય છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા આ બંને દંપતીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ દંપતી આટલી મોટી રકમ કયા હેતુથી વિદેશ લઈ જઈ રહ્યું હતું અને આ ચલણ ક્યાંથી લાવ્યું હતું તે દિશામાં કસ્ટમ્સ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.