કાર્યવાહી@અમદાવાદ: અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતી ગેંગનો પર્દાફાશ, બેની ધરપકડ

 
કાર્યવાહી

આ બધા કાંડમાં અમેરિકન નાગરિકોને કોલ સેન્ટરવાળા ડોલર ખંખેરી નાખતા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાંથી અમેરિકન નાગરિકોને છેતરતી ગેંગનો પર્દાફાશ થયો છે. કાંકરિયા નજીક વેદ મંદિર રોડ પાસે આવેલી ખોજા સોસાયટીમાં વૈભવી બંગલામાં એક ગેરકાયદે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. ઝોન-6 એલસીબી સ્ક્વોડે આ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડીને અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટરનું મુખ્ય મથક મુંબઈથી ઓપરેટ થતું હતું.જોકે ત્યાંથી ઓપરેટ થતા કોલસેન્ટરના રિસિવર સલામ ઉર્ફે રાજા જીવાણી અને હવાલાથી રૂપિયાની હેરાફેરી કરતા તથા મુંબઈ સુધી પહોંચાડતા સિદ્ધાર્થ નરસીદાણીની ધરપકડ કરવામાં આવી છે.

આ ધરપકડ કરાયેલા શખસો પાસેથી પોલીસને 30.50 લાખ રૂપિયા રોકડા, લેપટોપ તથા મોબાઈલ ફોન સહિત 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. હજુ સુધી આ રેકેટનો માસ્ટર માઈન્ડ ફરાર છે. જોકે, આરોપી તુષારની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ રેકેટને ઝોન-6 એલસીબી સ્ક્વોડના પીએસઆઈ મનીષ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે પકડી પાડ્યું છે. અત્યારે જે બે આરોપીની ધરપકડ કરાઈ છે તેમની પાસેથી વધુ વિગતો પણ સામે આવી શકે છે. તેમને પૂછપરછમાં સામે આવ્યું કે અમેરિકન નાગરિકોને ક્રેડિટ કાર્ડ અને લોનનુ કહીને આ લોકો છેતરી દેતા હતા. આવી રીતે તેમનું આખુ સ્કેમ ચાલતુ હતું.

ત્યારપછી મુંબઈમાં આ રૂપિયા કેવી રીતે પહોંચાડવા એ પણ મોટો સવાલ હતો. એટલે કે તેઓ બાદમાં દાણીલીમડાના તીનબત્તી વિસ્તારમાં રહેતા એક યુવક કે જેનું નામ સિદ્ધાર્થ નરસીદાણી હતું તેના મારફતે આ કામ કરાવતા હતા. સિદ્ધાર્થ હવાલા મારફતે આ રૂપિયા મોકલતો હોય એવો આરોપ તેની સામે લગાવાયો છે. પોલીસે તેને પણ અત્યારે દબોચી લીધો છે. આ બંને મુંબઈથી કોલસેન્ટરને ઓપરેટ કરતા હતા અને તુષાર નામના યુવક પાસેથી ડિટેલમાં લીડ મેળવી લેતા હતા અને બાદમાં અમેરિકન નાગરિકોને ઠગતા હતા. આ બધા કાંડમાં અમેરિકન નાગરિકોને કોલ સેન્ટરવાળા ડોલર ખંખેરી નાખતા હતા. આ બધા જ ઠગાઈના કિસ્સાઓ પર પણ નજર કરવામાં આવી રહી છે.