કાર્યવાહી@અમદાવાદ: વેપારીઓ અને સિનિયર સિટીઝનને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરતી ગેંગનો પર્દાફાશ
નકલી PI બની પડાવતા હતા લાખો રૂપિયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને સિનિયર સિટીઝનને પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરતી ગેંગનો ઝોન-5 LCB અને રામોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને શિકાર બનાવતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ધરપકડ કરાયેલ આરોપી નસરીન ઉર્ફે નાઝ પઠાણ સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓ અને વડીલો સાથે સંપર્ક કેળવતી હતી.ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ પોતાના ઘરે મળવા બોલાવતી હતી. જેવો શિકાર ઘરે પહોંચે કે તરત જ ગેંગના અન્ય સભ્યો પોલીસ બનીને ત્રાટકતા હતા. આ ગેંગનો મુખ્ય આરોપી રવિન્દ્ર હળવદિયા પોતાની ઓળખ નકલી PI તરીકે આપતો હતો, જ્યારે અગાઉ પકડાયેલા ઉપેશ સરવૈયા અને હિતેન ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ બનીને લોકોને ડરાવતા હતા.
20થી વધુ લોકોને શિકાર બનાવ્યાપોલીસે અત્યાર સુધીમાં રવિન્દ્ર હળવદિયા, ગીતા ગોહિલ અને નાઝ પઠાણની ધરપકડ કરી છે. આ ટોળકીએ માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ નરોડા, વિવેકાનંદનગર, કીમ, જામનગર, પાલીતાણા અને વડોદરા જેવા શહેરોમાં પણ 20થી વધુ લોકોને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું કબૂલ્યું છે. આ કેસમાં અગાઉ 3 આરોપીઓ પકડાયા હતા અને હજુ પણ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.લોકો માટે ચેતવણીઆ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરવી જોખમી સાબિત થઈ શકે છે.

