કાર્યવાહી@અમદાવાદ: ગાંજાની હેરાફેરી કરતી ટોળકીનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

 
કાર્યવાહી
પોલીસે 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. સગા  સંબંધી ને સાથે રાખીને ચાલતા આ નેટવર્કનો મુખ્ય સુત્રધાર ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસે સોનીબાનુ ઉર્ફે સોની પઠાણ, સગુફાબાનુ પઠાણ અને રફીક શેખની ગાંજાના હેરાફેરી કેસમાં ધરપકડ કરી છે.અમદાવાદ SOG ની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન ગાંજાની હેરાફેરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે.

બાપુનગરમાં ભવાની ચોકમાં આરોપી સોનીબાનુ પઠાણ ઘરમાં ગાંજો વેચતી હતી. એસઓજીએ રૂ 3.50 લાખ કિંમતનો કુલ 6.950 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. આ જથ્થો શહેરના જુદા જુદા વિસ્તારમાં છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે આ ગાંજાના નેટવર્કનો મુખ્ય આરોપી અબ્દુલ કાદિર ઉર્ફે બાબુ પઠાણ છે. તે મહિલા આરોપી સોનીબાનુનો પતિ છે, તે હાલમાં ફરાર છે.આરોપી અબ્દુલ જ આ સમગ્ર ગાંજા નેટવર્કનો સંચાલક હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા આરોપી સોનીબાનુ પઠાણ અને સગુફાબાનુ બંન્ને સગી બહેનો છે. પતિ અબ્દુર કાદિર છેલ્લા ઘણા સમયથી ગાંજો ધંધો કરતો હતો.અને આ ધંધામાં પત્ની સોનિબાનુ સાથે સાળી સગુફાબાનુને પણ જોડાઈ હતી. જ્યારે આરોપી રફીક શેખને ગાંજાની સપ્લાય અને વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. જ્યારે સોની અને સગુફાબાનુ પઠાણ ઘરમાં જ ગાંજો સ્ટોર કરતા હતા. આરોપી રફીક શેખ સામે અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. બાપુનગર પોલીસે ગાંજાના જથ્થા સાથે રોકડ, 4 મોબાઈલ, ડિજિટલ વેઇંગ સ્કેલઝ પ્લાસ્ટિક પેકિંગ બેગ્સ સહિત કુલ રૂ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.