કાર્યવાહી@અમદાવાદ: રૂ.1.50 કરોડના હાઈ પ્રોફાઈલ બોસ સ્કેમનો પર્દાફાશ, બે મુખ્ય ઠગોની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે રુ.1.50 કરોડના હાઈ પ્રોફાઈલ બોસ સ્કેમનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પશ્ચિમ બંગાળથી બે મુખ્ય સાયબર ઠગોની ધરપકડ કરી છે. આરોપીઓ આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટને સિમકાર્ડ અને ઓટીપી પૂરા પાડવાની ગેરકાયદેસર સર્વિસ ચલાવતા હતા. આ રેકેટના તાર પાકિસ્તાન, ચીન અને હોંગકોંગ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદના સિંધુભવન રોડ પર સ્થિત રિયલ એસ્ટેટનો બિઝનેસ કરતા વેપારી પ્રવીણભાઈ બાવળિયાને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નામે એક નકલી નોટિસ મળી હતી. આ નોટિસમાં અસામાન્ય નાણાકીય વ્યવહારો અંગે ખુલાસો નહી કરવા પર બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની ધમકી આપવામાં આવી હતી.
વેપારીએ આ નોટિસ ચકાસવા માટે પોતાના એકાઉન્ટન્ટ પ્રિતેશ શાલીનાને મોકલી આપી હતી. એકાઉન્ટન્ટે કોમ્પ્યુટરમાં એટેચ ફાઈલ ઓપન કરતાં જ સિસ્ટમ હેક થઈ ગઈ હતી કંપનીના એકાઉન્ટમાંથી રુ.1.50 કરોડ ઉપડી ગયા હતા.પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થતાંની સાથે જ સાયબર ક્રાઈમ ટીમે ત્વરિત કાર્યવાહી કરી હતી, રુ. 1.50 કરોડમાંથી રુ.1.30 કરોડની રકમ ફ્રીઝ કરાવીને ફરિયાદીને પરત અપાવી હતી. ત્યાર બાદ બે માસ સુધી ચાલેલા ટેક્નિકલ તપાસ અને લોકેશન ટ્રેકિંગના આધારે પોલીસે પશ્ચિમ બંગાળમાંથી બે આરોપીઓ ઇમરાન પિયાદા (ઉં.25) અને ઇજામુલ મોલ્લા (ઉ.30) ની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓ પાસેથી 7 મોબાઈલ અને 4 સિમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આ ધરપકડથી દેશભરના 200 બોસ સ્કેમ અને 251 સાયબર ફ્રોડના ગુનાઓ ઉકેલાયા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ સમગ્ર નેટવર્ક ગ્લોબલ લેવલે ઓપરેટ થતું હતું,. સ્કેમ માટે વપરાતી ખતરનાક માલવેર, ઝીપ અને એપીકે ફાઈલ હોંગકોંગ અને ચીનમાં તૈયાર થતી હતી. પાકિસ્તાનના કોલ સેન્ટરોમાં લોકોને આ ફાઈલો મોકલીને ડિજિટલ એરેસ્ટ અને બોસ સ્કેમથી ઠગવામાં આવતા હતા. ભારતમાંથી પકડાયેલા આ બંને આરોપીઓ આંતરરાષ્ટ્રીય ઠગોને ભારતીય નંબરોના સીમ કાર્ડ અને ઓટીપી સપ્લાય કરતા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓએ આશરે 10 હજાર લોકોના ફોન અને કોમ્પ્યુટરમાં માલવેર ફાઈલો મોકલી કરોડો રુપિયા પડાવવાનું આયોજન કર્યુ હતું. પોલીસે સમયસર આ ફાઈલો ડિલીટ કરાવીને હજારો લોોકને સાયબર ઠગાઈનો ભોગ બનતા બચાવ્યા છે,આ બંને આરોપીઓએ છેલ્લા 5 વર્ષમાં 21,900 ઓટીપીનું વેચાણ કર્યું હતુ. જે પૈકીની 21 હજાર ઓટીપીનો ઉપયોગ ઓનલાઇન ખરીદીના ફ્રોડ, ઓટીપી ફ્રોડમાં કર્યાનું સામે આવ્યું હતું.

