હવામાન@દેશ: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ? જાણો
60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આજે એટલે કે 19 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.પૂર્વ ભારતના રાજ્યો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે, જ્યારે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.
પશ્ચિમ ભારતમાં ફરી એકવાર તોફાની વરસાદનો કહેર જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ઝારખંડ અને ગંગાના મેદાની પશ્ચિમ બંગાળના ઉત્તર ભાગો પર લો-પ્રેશર બની રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર હરિયાણા અને પંજાબના વિસ્તારોમાં પણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય જોવા મળી રહ્યું છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલાક સ્થળોએ વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં તેમજ દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ તથા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

