કાર્યવાહી@અમદાવાદ: એરપોર્ટ પર લીંબુથી ભરેલી બેગમાં છુપાવેલો 5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી થાઈલેન્ડથી આવેલા એક ભારતીય મુસાફર પાસેથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ અંદાજે 5 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. આરોપીએ ડ્રગ્સ છુપાવવા માટે અત્યંત શાતિર રીત અપનાવી હતી, પરંતુ સુરક્ષાકર્મીઓની સતર્કતા અને સ્નિફર ડોગની તેજ નજરે તેની તમામ યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું.
પકડાયેલો મુસાફર થાઈલેન્ડથી ફ્લાઈટ પકડીને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેણે પોતાની ટ્રોલી બેગમાં કપડાંની વચ્ચે મોટી માત્રામાં ગાંજાનું કન્સાઇનમેન્ટ છુપાવ્યું હતું. એરપોર્ટ પર તૈનાત સ્નિફર ડોગ ગાંજાની ગંધ ન પારખી શકે તે માટે આરોપીએ એક અનોખો કિમીયો અજમાવ્યો હતો. આરોપીએ બેગની અંદર મોટી સંખ્યામાં લીંબુ ભરી રાખ્યા હતા, જેથી લીંબુની તીવ્ર સુગંધના કારણે સ્નિફર ડોગ મૂંઝવણમાં મુકાઈ જાય અને ગાંજાની સ્મેલ પકડી ન શકે.
અધિકારીઓને આ અંગે અગાઉથી જ એક ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે એરપોર્ટ પર કડક વોચ રાખવામાં આવી રહી હતી. શંકાસ્પદ મુસાફર જેવા જ બેગેજ એરિયામાં પહોંચ્યો, ત્યારે તપાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટના ટ્રેન્ડ સ્નિફર ડોગ દ્વારા છેલ્લી ઘડીએ આ ગાંજાના કન્સાઇનમેન્ટને સચોટ રીતે પકડી પાડવામાં આવ્યું હતું.
જ્યારે અધિકારીઓએ બાતમી અને સ્નિફર ડોગના એલર્ટના આધારે બેગ ખોલીને ચેક કરી, ત્યારે તેમાં કપડાંની સાથે લીંબુ અને કરોડો રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો મળી આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.હાલમાં સુરક્ષા એજન્સીઓએ આરોપી મુસાફરની અટકાયત કરી લીધી છે અને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

