કાર્યવાહી@અમદાવાદ: ફ્લાઈટમાં આવીને મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

 
કાર્યવાહી
ચોરી કરવા માટે તેઓ સગીર બાળકોનો ઉપયોગ કરતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ પોલીસે મોબાઈલ ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ઝોન 3 LCB દ્વારા ઝારખંડની આ ગેંગના બે મુખ્ય સભ્યો રઘુ મહતો અને વિક્રમ મહતોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની કામ કરવાની પદ્ધતિ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ આરોપીઓ એટલા હાઈ-પ્રોફાઈલ હતા કે ચોરી કરવા માટે તેઓ ફ્લાઈટમાં મુસાફરી કરતા હતા.

તેઓ મુખ્યત્વે ક્રિકેટ સ્ટેડિયમ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ભીડભાડવાળા મેળાના સ્થળોને ટાર્ગેટ બનાવતા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ચોરી કરવા માટે તેઓ સગીર બાળકોનો ઉપયોગ કરતા હતા. તકનીકી કૌશલ્યનો દુરુપયોગપોલીસ પકડથી બચવા માટે આ ગેંગ અદ્યતન તરકીબો અપનાવતી હતી. ચોરી કરેલા મોબાઈલ ટ્રેસ ન થાય તે માટે તેઓ તેના પર સિલ્વર ફોઈલ લગાવી દેતા, જેથી મોબાઈલનું સિગ્નલ બ્લોક થઈ જાય. ત્યારબાદ આ મોબાઈલને અન્ય રાજ્યોમાં વેચી દેવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખથી વધુની કિંમતના 21 ચોરીના મોબાઈલ રિકવર કર્યા છે. આ ધરપકડ સાથે જ ગુજરાતમાં નોંધાયેલા 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ આ ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યો અને સગીરોની સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે.