કાર્યવાહી@અમદાવાદ: સરખેજ વિસ્તારમાંથી ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, 241 ગેસ સિલિન્ડર જપ્ત

 
કૌભાંડ
રૂપિયા 2.32 લાખના સિલિન્ડર સાથે 2 લોકોની ધરપકડ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગેસ ચોરીનું આ મોટું કૌભાંડ ઝડપાયું છે. ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવામાં આવી રહી હોવાનું વધુ એક કૌભાંડ અમદાવાદમાં ઝડપાયું છે. સરખેજમાં પતરાના ગોડાઉનમાં આ કૌભાંડ ચાલતુ હતું. SOGએ દરોડા પાડીને ગેસ ચોરીનું કૌભાંડ ઝડપ્યું છે અને સાથે જ બે આરોપીને પણ ઝડપી પાડ્યા છે. આ કૌભાંડીઓ ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરતા હતા. ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી કોમર્શીયલ સિલિન્ડર ભરી લેતા હતા અને ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપતા હતા.

આ સમગ્ર મામલે SOGએ દરોડા પાડીને રૂપિયા 2.32 લાખના 241 ગેસ સિલિન્ડર સાથે 2 લોકોની ધરપકડ કરી છે. SOGની ટીમે રાજેશ પરમાર અને હરજીભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપીઓને ઝડપીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 28 જૂને અંકલેશ્વર જીઆઈડીસીમાં DGVCL કંપનીની અંદર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી દરમ્યાન ગેસ લાઈન લીક થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ આવી પહોંચીને ગેસ લાઈન બંધ કરી તાત્કાલિક સમારકામ હાથ ધર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં કોહીઝોન કંપની પાસે વીજ કંપની દ્વારા અંદર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરી દરમ્યાન પસાર થતી ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઈન લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી.