કાર્યવાહી@અમદાવાદ: મનપાના CFO અમિત ડોંગરે રૂ.36 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
છટકામાં CFO અને તેમના વચેટીયા/સાગરીત ભાવસિંહ ઝાલા ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર (CFO) અમિત ડોંગરે સામે એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી બાદ મનપા તંત્રે તેમને સેવામાંથી ટર્મિનેટ કરી દીધા છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાના બદલામાં રૂ. 36,000ની લાંચ માંગવા અંગે ACBને ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં CFO અમિત ડોંગરે અને તેમના વચેટીયા/સાગરીત ભાવસિંહ ઝાલા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સ નીતિ દાખવી અમદાવાદ મનપાએ આ કડક નિર્ણય લીધો છે.
ACBના નાયબ નિયામકના જણાવ્યા અનુસાર, લાંચ કેસમાં પકડાયા બાદ હાથ ધરવામાં આવેલી સર્ચ કામગીરી દરમિયાન અમિત ડોંગરેના ઘરેથી લાખો રૂપિયાની શંકાસ્પદ રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત તેમના બેંક લોકરો પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જ આટલી મોટી અપ્રમાણસર મિલકત સામે આવતા ACB હવે તેમની તમામ સંપત્તિ અને ભૂતકાળના વહીવટોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
ACBની ટીમે ગેરકાયદેસર કમાણી અને લાંચ કેસના મૂળ સુધી પહોંચવા માટે ટર્મિનેટ કરાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના સાગરીત ભાવસિંહ ઝાલા બંને આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા છે. ACB અધિકારીઓ દ્વારા સમગ્ર નેટવર્ક, લાંચના નાણાંની વહેંચણી અને અન્ય સંડોવાયેલા અધિકારીઓ કે કર્મચારીઓની પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ બંને આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

