કાર્યવાહી@અમદાવાદ: ડુંગળીની આડમાં થતી ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ, 2 કરોડનો ગાંજો જપ્ત
2 લોકોની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કરમાલામાં તૈયાર થયેલો ગાંજો 8 મહિનામાં બીજી વખત અમદાવાદ ખાતે સપ્લાય કરવામાં આવ્યો છે. સાથે જ ગાંજો તેના નિયત સ્થળ પર પહોંચે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની કિંમતનો 406 કિલો ગાંજો કબ્જે કર્યો છે. ગાંજો સપ્લાય કરવા માટે પાયલોટિંગ પણ રાખવામાં આવતું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલ સર્કલ પાસેથી ડુંગળીની આડમાં થતી ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના દીપક જાટ અને સતેશ પાવરાની ધરપકડ કરી છે. 2.03 કરોડના કિંમતનો 406 કિલો ગાંજો કબ્જે કર્યો છે.
આરોપીઓ મહારાષ્ટ્રના કરમાલા ખાતેથી આ ગાંજાનો જથ્થો ડીલેવરી આપવા માટે નારોલ પાસે આવી રહ્યા હતા. તે સમયે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચે કુલ 2.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે ગાંજો સપ્લાય કરવા માટે તેના મુખ્ય સપ્લાયર પાયલોટ તરીકે ગાંજાથી એક કિલોમીટર આગળ પાયલોટીંગ આપતા હતા.બે કરોડથી વધુનો ગાંજો કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા હકીકત સામે આવી કે કરમાલાના ડુંગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે અને તે ગાંજો સાગર પાવરા અને શાંતારામ પાવરાએ મોકલ્યો હતો.
ઉપરાંત શાંતારામ પાવરા ગાંજા ભરેલી ગાડીના આગળ પાયલોટિંગ આપતો હતો. જેથી ગાંજો પકડવા માટે રસ્તામાં કોઈ પોલીસની ટીમો છે કે કેમ. તે અંગે માહિતી મેળવી શકાય. પરંતુ નારોલ સર્કલ પાસે ગાંજો ભરેલી ગાડી પહોંચતા પોલીસે તેને અટકાવી અને ઝડપી પાડી હતી. ત્યાંથી શાંતારામ પોતાનો ફોન બંધ કરી ફરાર થયો છે. સાથે જ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે શાંતારામ 8 મહિના પહેલા પણ અમદાવાદની અંદર ગાંજાનો મોટો જથ્થો સપ્લાય કરી ચૂક્યો છે. પરંતુ ફરી વખત ગાંજો અમદાવાદમાં આવે અને તે વેચાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે.ગાંજાની હેરાફેરી કરનાર ઝડપાયેલા બંને આરોપી દીપક અને સતેસને ગાંજાની એક હેરાફેરી માટે 50 હજાર રૂપિયા મળવા ના હતા. સાથે જ શાંતારામ અને સાગર દર વખતે નવા સપ્લાયરને શોધતા અને ગાંજાની હેરાફેરી કરતા હતા. જેથી કરી ગાંજાની માહિતી પોલીસને ન પહોંચે, પરંતુ ક્રાઈમ બ્રાન્ચે કરોડોના ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરી કરમાલામાં થતી ખેતી સુધીના તાર ખોલી દીધા છે.

