કાર્યવાહી@અમદાવાદ: નકલી ઓળખાણ આપીને ચાર રાજ્યોની 21 યુવતીઓને ફસાવનાર PSI ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ફેક પીએસઆઈ હિમાંશુ ઉર્ફે રોકી પંચાલને ઝડપી પાડ્યો છે. આરોપી રોકી પંચાલે ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સાયબર સિક્યોરિટી વિભાગમાં પીએસઆઈની નકલી ઓળખાણ આપીને ચાર રાજ્યોની 21 યુવતીઓને ફસાવીને લાખો રુપિયા પડાવ્યા હતા.પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપી રોકી પંચાલે ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઈટ પર એઆઈથી પોલીસ યુનિફોર્મવાળો પ્રોફાઈલ ફોટો મૂકીને લગ્ન કરવા ઈચ્છતી યુવતી અને ડિવોર્સી મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો.પોલીસે આરોપીની તપાસ કરતા આરોપી પાસેથી નકલી લોગો, બોગસ આઈકાર્ડ સહીતની વસ્તુઓ મળી આવી છે.
ડેટિંગ સાઈટ અને સોશિયલ મીડિયા પર નકલી એકાઉન્ટ બનાવીને આરોપીએ યુવતીઓ સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબૂલાત કરી કે, હજુ સુધીમાં આરોપીએ ગુજરાત, એમપી અને મહારાષ્ટ્ર સહિત 4 રાજ્યોની 21 યુવતીઓને પોતાની માયાજાળમાં ફસાવી હતી. આરોપી યુવતીઓનો ઓનલાઈન સંપર્ક સાધીને મળવા બોલાવતો હતો. જે બાદ પોતે ગુજરાત પોલીસમાં મોટો ઓફિસર હોવાનો રોફ જમાવીને એઆઈથી જનરેટ કરેલ આઈકાર્ડ પણ બતાવતો હતો. આરોપીએ યુવતીઓ સામે પોતાનો પ્રભાવ દર્શાવવા માટે બજારમાંથી બેલ્ટ, લોગો ટોપી જેવી વસ્તુઓ ખરીદી રાખી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી યુવતીઓને લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાધતો હતો. પછી કામ નીકળી ગયા બાદ પીડિત યુવતીઓ સાથે ઝઘડો કરીને સંબંધ તોડી નાખીને ફરાર થઈ જતો હતો.જ્યારે અગાઉ પણ આરોપી સામે નરોડા અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ ગઈ છે.
આરોપી રોકી સામે અગાઉ પણ 2019માં ફોન હેકિંગ મામલે ફરિયાદ નોંધાયેલી છે. આરોપી યુવકે કરેલા ખુલાસા મુજબ, તે યુવતીઓ પાસે પોતે પીએસઆઈ હોવાથી પ્રોફેશનલ દેખાવવા માટે મોંઘો ફોન લેવો જરુર છે. તેમ જણાવીને પૈસા માંગતો ઉપરાંત ટૂંક સમયમાં પૈસા પાછા આપવાનો વાયદો પણ કરતો હતો. આમ આરોપીએ યુવતીઓ પાસેથી લાખો રુપિયા પડાવ્યા હતા. ઉપરાંત આરોપીએ યુવતીઓ સામે બચાવ કરવા માટે અનેક બોગસ સરકારી બોગસ પત્રો પણ બનાવ્યા હતા.

