કાર્યવાહી@અમદાવાદ: પ્રતિબંધ છતાં રાજસ્થાનમાંથી 'એનાલોગ પનીર' મંગાવી સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ

 
પનીર

લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 16 દિવસ પહેલા જ રાજ્યભરમાં એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ વચ્ચે અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો-ફેટનું એનાલોગ પનીર ઘુસાડીને સસ્તા ભાવે વેચવાના મોટા કૌભાંડ હેઠળ 408 કિલો જથ્થો જપ્ત ઝડપાયો છે.

આજે 21 ઓગ્સ્ટની વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગની ટીમે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં ઉભેલી અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસની તપાસ કરવામાં આવી હતી.અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી ડૉ. તેજસ શાહે જણાવ્યું કે, તપાસ દરમિયાન ખાનગી બસમાંથી આશરે 408 કિલોગ્રામ લો-ફેટ પનીરનો જથ્થો મળી આવ્યો, જેને ફૂડ વિભાગે તાત્કાલિક જપ્ત કરીને સીઝ કર્યો છે.

આ પનીરનો જથ્થો મેળવવા માટે નરોડા અને મણિનગર વિસ્તારના બે શખ્સો ત્યાં આવ્યા હતા.આ લક્ઝરી બસના સંચાલકો દ્વારા લાવવામાં આવેલા પનીરના પેકેટ પર MRP રૂ. 400 થી 450 લખેલી હતી. પરંતુ તેઓ આ જથ્થો પ્રતિ કિલો માત્ર રૂ. 240 ના સસ્તા ભાવે આપતા હતા. આ પ્રાથમિક વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે આ પનીરનો જથ્થો રાજસ્થાનથી લક્ઝરી બસ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા પનીરના જથ્થાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજસ્થાનના જોધપુર અને પાલી ખાતે આવેલું છે. આથી આ આખો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોવાની અને તે એનાલોગ પનીર હોવાની સંપૂર્ણ સંભાવના છે.