કાર્યવાહી@અમદાવાદ: ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ત્રણ પેસેન્જર 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ડાયમંડની હેરાફેરી કરનારા પણ પકડાતાં ડીઆરઆઈના અધિકારી પણ ચોંકી ગયા છે. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતા ત્રણ પેસેન્જરને 3 કરોડ રૂપિયાના ડાયમંડ સાથે ઝડપી લીધા છે. આ તમામ પેસેન્જરોની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ અને સુરતના ઝવેરીઓના માટે કામ કરતા પેસેન્જરનાં ડીઆરઆઈના અધિકારીઓએ નિવેદન લીધાં તેમાં ઘણાં મોટામાથાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ડાયમંડના હીરા ડીઆરઆઈના અધિકારીઓએ જપ્ત કર્યા છે. આ ઘટનાને પગલે અમદાવાદ ઉપરાંત સુરતમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ડાયમંડ કોણે મંગાવ્યા અને કેરીયરોને કેટલું કમિશન આપવામાં આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે. ડીઆરઆઈનાં સૂત્રોએ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલા ડાયમંડની વેલ્યુ ત્રણ કરોડ થવા જાય છે. અત્યાર સુધીમાં કેટલા ડાયમંડ કેરીયરો લાવ્યા તેની તપાસ બાદ માહિતી બહાર આવશે. અમદાવાદનું ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું હબવ બની જતાં અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટનો ડીઆરઆઈ અને કસ્ટમ સ્ટાફ એલર્ટ થઈ ગયો છે.