કાર્યવાહી@અમદાવાદ: નમસ્તે સર્કલ પાસેથી કરોડોની કિંમતનું ટ્રામાડ્રોલ ડ્રગ્સ જપ્ત, એક વ્યક્તિની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરીને અમદાવાદ શહેરમાંથી કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદના વ્યસ્ત એવા નમસ્તે સર્કલ નજીકથી ટ્રેમાડોલ ડ્રગ્સનો એક મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 9 થી 10 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
મેડિકલ હેતુ સિવાય પ્રતિબંધિત ગણાતી આ કેમિકલ ડ્રગ્સની હેરાફેરી પાછળ કોઈ મોટું આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ સફળ ઓપરેશન દરમિયાન એટીએસની ટીમે સ્થળ પરથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને અમદાવાદ કે અન્ય કોઈ શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો, તે અંગેના ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. આટલી મોટી માત્રામાં કેમિકલ ડ્રગ્સ પકડાવાને કારણે સમગ્ર પોલીસ તંત્ર અને પ્રશાસન સજાગ બની ગયું છે.
ગુજરાત ATS દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ હેઠળ ગુનો નોંધીને પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ ડ્રગ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે કડક તપાસના આદેશો અપાયા છે.

