કાર્યવાહી@અમદાવાદ: ફટાકડાના બે ગેરકાયદેસર ગોડાઉનનો પર્દાફાશ, રૂ.39.57 કરોડનો જથ્થો જપ્ત

 
કાર્યવાહી
તપાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર ખામીઓ સામે આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 10 લોકોના મોત ચાંગોદર પોલીસે મોટી કાર્યવાહી કરીને ફટાકડાના બે ગેરકાયદેસર ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. બંને ગોડાઉનમાંથી અંદાજે ₹39.57 કરોડના ફટાકડાનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ગોડાઉનમાં અગ્નિસુરક્ષાના પૂરતા સાધનો ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વિસ્ફોટક અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમને પેટ્રોલિંગ મોડાસર ગામથી અમથાપુરા જવાના માર્ગ પર બે ફટારડાના ગેરકાદેસર ચાલતા કારખાના ચાલતા હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ‘અંબિકા ટ્રેડલિંક’ નામથી ચાલતા બે ગોડાઉન પર દરોડા પાડી બંને ગોડાઉન સીલ કર્યા હતા. અને મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવેલો જથ્થો અને હજારો કાર્ટુનમાં પેક કરાયેલા નાના-મોટા ફટાકડા મળી આવ્યા હતા. જેને જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન ગોડાઉનમાં સુરક્ષાની વ્યવસ્થાને લઈને અનેક ગંભીર ખામીઓ સામે આવી છે.

ગોડાઉનના પ્રવેશદ્વાર પાસે ફાયર એક્સટિંગ્વિશર અને રેતી ભરેલી ડોલ જેવી પ્રાથમિક વ્યવસ્થા જોવા મળી હતી, પરંતુ ગોડાઉનની ક્ષમતા મુજબ તે પૂરતી નહોતી. તપાસમાં એ પણ સામે આવ્યું કે ગોડાઉનમાં વોટર સ્પ્રિંકલર સિસ્ટમ જેવી જરૂરી અગ્નિસુરક્ષા વ્યવસ્થા નહોતી. ગોડાઉનની બહાર પતરાવાળા શેડમાં પણ ફટાકડાના કાર્ટુનનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. શેડની આગળ જાડું કપડું બાંધવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગવાની કે વિસ્ફોટ થવાની સ્થિતિમાં જોખમ વધુ વધી શકે તેવી શક્યતા હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે બંને ગોડાઉનમાંથી કુલ 65,954 કાર્ટુન ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થાની અંદાજિત કિંમત 39.57 કરોડ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ મામલે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી, જે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહે છે, તેમજ ગોડાઉનના મેનેજર કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે.