કાર્યવાહી@આણંદ: રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને દોઢ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

આરોપીએ પાછળથી રૂ.30000 વધુ માંગ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો-ACBએ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ રોશનકુમાર વણકરની દારૂબંધીના કેસમાં 1.5 લાખ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં ધરપકડ કરી છે. ACBના જણાવ્યા અનુસાર, ફરિયાદીના મિત્ર સામે દારૂબંધીનો કેસ નોંધાયેલો હતો અને આરોપી કોન્સ્ટેબલ પોતાને તપાસ અધિકારીના રાઈટર તરીકે ઓળખાવતો હતો. ત્યારબાદ તેણે કેસમાં કોઈ સમસ્યા ન થાય તે માટે 2,00,000 રૂપિયાની લાંચ માંગી હતી.
રકઝક બાદ લાંચની રકમ ઘટાડીને રૂ.1,20,000 કરવામાં આવી. આરોપીએ પાછળથી રૂ.30000 વધુ માંગ્યા, જેના કારણે લાંચની કુલ રકમ 1,50,000 રૂપિયા થઈ ગઈ હતી. ફરિયાદીએ ACB ટોલ-ફ્રી હેલ્પલાઇનનો સંપર્ક કર્યો અને ACB આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા, ACB અધિકારીઓએ ગુરુવારે છટકું ગોઠવ્યું હતું અને લાંચ લેવા આવેલા આરોપીની ધરપકડ કરી છે.