કાર્યવાહી@આણંદ: નિયમિત સ્કૂલ જવા બાબતે ઠપકો આપતા કપાતર પુત્રનો પિતા પર હુમલો, પોલીસમાં ફરિયાદ દાખલ

 
પોલીશ સ્ટેશન

પેટલાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પેટલાદ તાલુકાના વટાવ ગામમાં પિતાને ગડદાપાટુનો માર મારીને પુત્ર ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વારંવાર સ્કૂલમાં બંક મારવા બાબતે પિતાએ પૂછતાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા કેટલાક દિવસથી પુત્ર સ્કૂલમાં ગેરહાજર રહેતા ક્લાસ ટીચર ઘરે ગયા હતા અને પિતાને જાણ કરી હતી કે, બોર્ડ પરીક્ષા આવી રહી હોવાથી તેઓ પુત્રને સ્કૂલમાં મોકલે.આથી પિતાએ પુત્રને ફોન કર્યો હતો, પરંતુ તે ફોન ઉપાડતો નહતો. આથી પિતા તેને શોધવા નીકળ્યા હતા. આ દરમિયાન પેટલાદ નગર પાલિકા ગ્રાઉન્ડ નજીક પુત્ર મળી આવ્યો હતો.

આથી પિતાએ તેને નિયમિત સ્કૂલમાં જવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલ પુત્રએ પિતાને અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. અને પુત્રએ પિતા ઉપર પથ્થરમારો કરીને પછી ભાગી છૂટ્યો હતો. આ હુમલામાં પિતા ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ મામલે પિતાએ તેના વિરુદ્ધ પેટલાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.