કાર્યવાહી@અંકલેશ્વર: નેશનલ હાઇવે પર 7 લાખથી વધુની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે 3 ઈસમોની ધરપકડ

 
કાર્યવાહી
કુલ રૂપિયા 11 લાખ 47 હજારનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે-48 પર ઉછાલી ગામ નજીક બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી માહિતીના આધારે તેઓએ નેશનલ હાઇવે-48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઇકો કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી રૂપિયા 7 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂપિયા 7 લાખ 6 હજારનું એમડી ડ્રગ્સ અને 4 લાખની ઇકો કાર તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 11 લાખ 47 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધ્યો છે.