કાર્યવાહી@અંકલેશ્વર: GIDC વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાંથી MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાંથી MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબ ઝડપાઈ છે. ભરૂચ SOG પોલીસ ટીમે અહીં દરોડા પાડી એક આરોપીની ધરપકડ કરવા સાથે MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર લેબનો પર્દાફાશ કર્યો છે. આ અંગે મળતી વિગત અનુસાર ભરૂચ SOG પોલીસની ટીમે અંકલેશ્વર GIDC વિસ્તારમાં સ્થિત સિદ્ધ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં ધમધમતી MD ડ્રગ્સ બનાવતી લેબ ઝડપી પાડી છે. પોલીસ ટીમે સિદ્ધ કો.ઓ.હા. સોસાયટીના બી બ્લોકમાં આવેલા મકાન નંબર 301 પર દરોડો પાડ્યો હતો.
પોલીસ ટીમને આ મકાનના બાથરૂમમાંથી MD ડ્રગ્સ બનાવતી લેબ મળી આવી હતી. SOG પોલીસ ટીમે દરોડા દરમિયાન આશરે 70 ગ્રામ તૈયાર MD ડ્રગ્સ અને મોટી માત્રામાં રો મટીરીયલ જપ્ત કર્યું હતું. સાથે જ અનિલ રાખોલિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર આરોપી અનિલ રાખોલિયા ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. આરોપીએ સિદ્ધ કો.ઓ.હા. સોસાયટીના બી બ્લોકમાં આ મકાન નંબર 301 ભાડે રાખ્યું હતું. આરોપી પોતાની જાણકારીનો ઉપયોગ કરી મકાનના બાથરૂમમાં નાની લેબ બનાવી ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવતો હતો.ભરૂચ SOG ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

