કાર્યવાહી@ચોટીલા: PGVCL કચેરીમાં હેલ્પર રૂ.60,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

 
કાર્યવાહી
લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફાફડાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચોટીલા ગ્રામ્ય-2 PGVCL કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-4ના હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજીયા (ઉં.વ. 33) સામે એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ યોજવામાં આવી છે. વાડીમાં વીજ ચેકિંગ દરમિયાન ફરિયાદીનું વીજ મીટર કચેરીએ ઉઠાવી ગયા બાદ, મીટર પાછું લગાવવા અને વીજ ચોરીનો દંડ ન ભરવો પડે તે માટે આરોપી હેલ્પરે રૂ.70,000ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી વીજ ચોરીના ખોટા દંડ અને લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે હિંમત દાખવીને તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદીની અરજીના આધારે રાજકોટ ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. રાણા અને તેમની ટીમ દ્વારા PGVCL ચોટીલા ગ્રામ્ય-2 ની કચેરી ખાતે જ લાંચનું એક મજબૂત છટકું ગોઠવવામાં આવ્યું હતું.આ છટકા દરમિયાન આરોપી બીપીનભાઈ પારેજીયાએ ફરિયાદી પાસેથી રૂ.60,000ની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે તેમને સ્થળ પર જ દબોચી લીધા હતા. એસીબી દ્વારા લાંચની સંપૂર્ણ રકમ રૂ.60,000 રોકડા રિકવર કરી લેવામાં આવ્યા છે. આ મામલે એસીબી દ્વારા આરોપી સામે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે વધુ એક લાંચિયો કર્મચારી જેલના સળિયા પાછળ ધકેલાયો છે.