કાર્યવાહી@બનાસકાંઠા: રેશનકાર્ડ ધારકો સામે તંત્રનો મોટો નિર્ણય, 6300 રેશનકાર્ડ રદ કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠામાં રેશનકાર્ડ ધારકો સામે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. લાભ લેવા ઘણાં લોકોએ બોગસ ડોક્યુમેન્ટ આપી ગેરકાયદેસર રીતે રેશનકાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવતા તંત્રએ આવા 6300 રેશનકાર્ડ રદ કરી દીધા છે. સરકારના ધ્યાને આવતા કેન્દ્ર સરકારે 40 હજાર રેશનકાર્ડની યાદી મોકલી હતી જેમાં બનાસકાંઠાના તંત્રએ ચકાસીને કાર્ડ રદ કર્યા છે જ્યારે હજુ પણ કોઈ બીપીએલ લાભાર્થી હશે અને એને ખોટો લાભ લીધો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.
તંત્ર દ્વારા એ.એસ.એસ.એ.સી. રેશનકાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓએ 31 ઓક્ટોબર 2025 સુધીમાં પોતાના આધાર કાર્ડની નકલ રેશનકાર્ડ સાથે જોડવા માટે ફરજીયાત કરવામાં આવ્યું છે. જે લોકો આધાર કાર્ડ જોડાવશે નહીં તેમના રેશનકાર્ડ રદ કરવામાં આવશે અને તેઓ સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત રહેશે. કાયદાકીય રીતે જોવામાં આવે તો આવા કિસ્સાઓમાં ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમાં સાત વર્ષ સુધીની સજા થવાની જોગવાઈ છે. સાથે જ આવા કાર્ડ દ્વારા લેવાયેલો ખોટો લાભ પણ સરકાર દ્વારા પાછો વસૂલ કરવામાં આવી શકે છે. બીજી તરફ અનેક ગરીબ પરિવારો એવા પણ છે કે જેઓને રેશનકાર્ડનો લાભ મેળવવા માટે ભારે ચક્કર ખાવા પડે છે.
સરકાર દ્વારા બોગસ ડોક્યુમેન્ટ દ્વારા ભૂતિયા રેશનકાર્ડ બનાવીને લાભ લેનારા લોકો સામે લાલ આંખ કરવામાં આવતા અને આવા રેશનકાર્ડ બંધ કરીને કાર્યવાહી કરતા પાલનપુરના જાગૃત નાગરિકે સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. કહ્યું કે બોગસ રેશનકાર્ડ બંધ થશે તો તેનો સાચો હક ગરીબ લાભાર્થીઓને મળતો થશે અને છેવાડાના ગામ સુધી સરકારી અનાજ પહોંચશે. જો હજુ સુધી તંત્ર આમાં ઊંડાણપૂર્વકની ચકાસણી કરે તો 15,000 થી વધુ રેશનકાર્ડ રદ થઈ શકે છે ત્યારે હજુ આવા કોઈ રેશનકાર્ડ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બનાવવામાં આવ્યા હોય તો તે રદ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

