કાર્યવાહી@બનાસકાંઠા: કારમાંથી બિયર મળતા પતાવટ માટે 12,500ની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો

 
કાર્યવાહી

કોન્સ્ટેબલ ડાભીએ રૂા. 2 લાખની માગણી કરી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનથી રહેલી કારમાંથી બિયર મળતા પતાવટ માટે તેની પાસેથી રૂ.12,500 ની લાંચ લેતા સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની ACBએ ધરપકડ કરી હતી. આ બનાવની વિગત મુજબ ફરીયાદી તેની પત્નીને ભાડાની ઇકો ગાડીમાં રાજસ્થાન મૂકી પરત આવી રહ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાકેશ સી.ડાભીએ ફરીયાદીની ગાડી ઉભી રખાવીને ચેક કરતા ગાડીમાંથી એક બિયર ની બોટલ મળી આવી હતી. તેની પતાવટ પેટે કોન્સ્ટેબલ ડાભીએ રૂા. 2 લાખની માગણી કરી હતી.

બાદમાં રકઝકના અંતે રૂા ૬૦,૦૦૦/-ની માંગણી કરી ગાડી લઈ જવા અને પૈસા નહી આપે તો ફરીયાદી ઉપર દારૂનો કેસ કરવાનું કહ્યું હતું. તેણે ફરીયાદી પાસેથી તે સમયે 2000 રૂપિયા લઇ લીધા હતા. ત્યારબાદ બીજીવાર પોશીના બજારથી પોલીસ સ્ટેશન પકડી લાવી ફરીયાદી પાસેથી ₹4,000 ડાભીએ લઈ લીધા હતા અને ત્યારબાદ બીજા પૈસાના અવેજ પેટે ફરીયાદીનો મોબાઇલ લઈ લીધો હતો. જ્યારે પૈસા આપશે ત્યારે મોબાઈલ અને ઈકો ગાડી પરત કરશે, એમ ડાભીએ કહ્યું હતું. કોન્સ્ટેબલ ડાભીએ ફરીયાદીના મોબાઈલ ઉપર અવારનવાર રૂ.10,000 ની માંગણી શરૂ કરી હતી. જે પૈસા ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ACB નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે એસીબીએ જાળ બિછાવીને કોન્સ્ટેબલ રાકેશ ડાભીને ફરિયાદી પાસેથી રૂ,12,500 ની લાંચ લેતા ઝડપી લીધો હતો.