કાર્યવાહી@બનાસકાંઠા: 'જ્યોતિ ટ્રેડિંગ'ના નામે ચાલતા નકલી ઘીના કારખાનાનો પર્દાફાશ, ભેળસેળિયા તત્વોમાં ફફડાટ

 
કાર્યવાહી

લાખોનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડીસામાં રહેણાક મકાનની આડમાં ધમધમતા શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીના એક મોટા રેકેટનો સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક રહેણાક મકાનમાં 'જ્યોતિ ટ્રેડિંગ'ના નામે શંકાસ્પદ ઘી બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી SOGની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મકાનની અંદર મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું.

 

SOGની ટીમે સ્થળ પરથી તપાસ કરતા અંદાજિત 6.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ શંકાસ્પદ ઘી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં બનાવવામાં આવતું હતું, જે લોકોનાં આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે તેમ હતું. SOG દ્વારા આ મામલે ત્વરિત કાર્યવાહી કરી સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યા બાદ સ્થાનિક ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે કાયદેસરની વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.