કાર્યવાહી@બનાસકાંઠા: 19.80 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ચાર ઇસમોની અટકાયત

 
કાર્યવાહી
198 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા લડબી નાળા પાસેથી SOG પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે લાખો રૂપિયાની કિંમતના પ્રતિબંધિત એમ.ડી. ડ્રગ્સ સાથે ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા ચાર શખ્સો પાસેથી કુલ 19.80 લાખની કિંમતનું 198 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નશીલા પદાર્થની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી અને રોકડ રકમ સહિત કુલ 25.35 લાખ રૂપિયાની મત્તા પોલીસે કબ્જે કરી છે.

આ ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણ શખ્સો અમદાવાદના અને એક શખ્સ દાંતીવાડાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં એ વાત પર મુખ્યત્વે તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે કે આ માદક દ્રવ્ય ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કયા શખ્સોને પહોંચાડવા માટે લઈ જવામાં આવી રહ્યું હતું.