કાર્યવાહી@બનાસકાંઠા: ચેક પોસ્ટ પરથી કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ઝડપાઈ

4 આરોપીઓની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા અડીને આવેલા રાજસ્થાનની આબુ રોડ પોલીસે માવલ ચેક પોસ્ટ પર મોટી કાર્યવાહી કરી છે. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટને અડીને આવેલી આબુ રોડની માવલ ચેકપોસ્ટ પરથી પોલીસે બાતમીના આધારે કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આબુ રોડ પોલીસે માવલ ચેકપોસ્ટ પરથી ખાનગી લગ્ઝરી બસમાં છુપાડેલું 1 કિલો 700 ગ્રામ સોનું, 28 કિલો ચાંદી અને 81 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
પોલીસે કરોડો રૂપિયાના સોના ચાંદીના આભૂષણ અને રોકડ રકમ સહિત ખાનગી બસને પણ જપ્ત કરી લીધી છે. હાલમાં આબુ રોડ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ પંચમહાલમાં એકલી રહેતી મહિલાના ઘરે લૂંટની ઘટના બની છે. શહેરાના ચલાલી ગામના ડીપી ફળિયામાં મોડી રાત્રે એકલી રહેતી મહિલાના ઘરે લૂંટ થઈ છે. મહિલાના ગળાના ભાગ પર છરો મૂકીને લૂંટારાઓએ લૂંટ કરી છે. તિજોરીમાં રહેલું 7 તોલા સોનું, અઢી કિલો ચાંદી તેમજ રોકડ રકમની લૂંટ કરી છે. મહિલા રાત્રિએ ઘરે સૂતી હતી ત્યારે અજાણી મહિલા દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશી. આ લૂંટમાં પુરુષ અને મહિલા સહિત 7થી 10 લોકો હોવા સાથે લૂંટારી ગેંગ હિન્દી ભાષામાં વાતચીત કરી રહી હતી. પોલીસ દ્વારા આ વિસ્તારમાં દુકાનોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવામાં આવી રહ્યા છે. લૂંટની ઘટનાને લઈને ગ્રામીણ વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે.